અમદાવાદ ની જ્વેલર્સ પેઢીમાં લૂંટ,
દાગીના વીણી વીણીને લૂંટારુઓએ ખિસ્સા અને થેલી ભરી
અમદાવાદ
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ધોળે દિવસે જ્વેલર્સ પેઢીમાં લૂંટ થતા ચકચાર મચી છે. બપોરના સમયે ચાર લૂંટારુઓએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી ફરાર થઈ જતા પોલીસે નાકાબંધી કરી લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે. શહેરના પોશ ગણાતા અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં લૂંટારુઓ બિન્દાસ્ત રીતે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓએ પોતાના ખિસ્સા અને થેલી દાગીનાથી ભરતા જોવા મળ્યા હતા.
સાઉથ બોપલ અમદાવાદનો સતત ધમધમતો વિસ્તાર છે. તેમાં જ ધોળે દિવસે લૂંટારુઓએ બંદૂકના નાળચે વેપારીને બંધક બનાવી લૂંટને અંજામ આપતા ચકચાર મચી છે. અહીં આવેલી કનકપુર જ્વેલર્સમાં બપોરના સમેય ચાર લૂંટારુઓ આવ્યા હતા. જેમાંથી એક દુકાનની બહાર ઉભો રહ્યો હતો જ્યારે ત્રણ દુકાનમાં ઘૂસ્યા હતા અને વેપારીને બંદૂક બતાવી બંધક બનાવ્યો હતો અને લૂંટ ચલાવી હતી.
લૂંટ કરવા આવેલા લૂંટારુઓએ પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ અને બુકાની બાંધી રાખી હતી. લૂંટના જે સીસીટીવી સામે ાવ્યા છે તેમાં લૂંટારુઓ આરામથી દુકાનના ડીસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના વીણતા જોવા મળી રહ્યા છે. આ તમામ દાગીના લૂંટારુઓએ પોતાના ખિસ્સા અને થેલીમાં ભરી લીધા હતા.
પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર બનાવ બન્યો
સાઉથ બોપલમાં જ્યાં આ લૂંટનો બનાવ બન્યો તેના એક થી બે કિલોમીટર દૂર જ બોપલ પોલીસ સ્ટેશન આવેલું છે. ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ, તે પહેલા જ લૂંટારુઓ લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે નાકાબંધી કરી લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આસપાસના વિસ્તારના સીસીટીવીની પણ તપાસ કરી રહી છે.
6 મહિના પહેલા ગાંધી રોડ પર લૂંટ થઈ હતી
શહેરના ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પોળમાં સોની હિંમતલાલ શંકરલાલજી નામની સોનીની ચાંદીની દુકાનમાં 16મી જુલાઈની પોણા ત્રણ વાગ્યાની આસપાસ દુકાન માલિકને પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની હતી. ઇજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.