અમદાવાદના કળયુગી દીકરા સામે ફરિયાદ
:માતાને રૂમમાં કેદ કરી રાખતો અને ઇચ્છા થાય ત્યારે દંડાથી માર મારતો હોવાનો આક્ષેપઅમદાવાદઅમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં માતાએ તેના દીકરા સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. સિનિયર સિટીઝન મહિલાએ પોતાની સાથે થયેલા અત્યાચાર બાબતે આક્ષેપો કર્યા છે અને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી ત્યારે ખબર પડી કે વૃદ્ધ મહિલાના શરીર પર ઈજાના નિશાન હતા. ત્યારબાદ તેમણે પોલીસને આ વાત કહી ત્યારે પોલીસે વૃદ્ધ મહિલા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી અને કળયુગી દીકરા સામે ફરિયાદ નોંધી પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.જુના સચિવાલયમાં સિનિયલ ક્લાર્ક તરીકે નિવૃત થયેલા એક વૃદ્ધ મહિલાનું જીવન આજે પ્રાણી સંગ્રાહલયમાં બંધ જાનવર કરતા પણ બદતર થઇ ગયુ હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
વૃદ્ધ મહિલાને તેનાજ પુત્રએ જાનવરની જેમ રૂમમાં પુરીને રાખતો હતો અને બે સમય જમવાનું તેમજ ચા પાણી આપતો હતો. જ્યારે પુત્રને સુરાતન ઉપડે ત્યારે વૃદ્ધાને દંડાથી સતત મારમારતો હતો. ચાર દિવસ પહેલા વૃદ્ધાને સતત દંડાથી મારમારતા રીતસરના સોર પાડી દીધા હતા. આટલેથી નહી અટકતા વૃદ્ધાના માથામાં સ્ટીલની બોટલથી મારમાર્યો હતો અને મોઢા પર ફેંટો મારી દીધી હતી. પુત્રએ વૃદ્ધાની હત્યા કરીને તેની લાસને કોથળીમાં પેક કરીને ક્યાક નાખી દેવાની પણ ધમકી આપી હતી.
ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા અમરપુરા સોસાયટીમાં રહેતા 65 વર્ષિય ગીતાબેન રબારીએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં દીકરા સુધીર વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. ગીતાબેન હાલ નિવૃત છે અને ગાંધીનગર જુના સચિવાલયમાં ડાયરેક્ટર ઓફ પેંશન પેમેન્ટ વિભાગમાં સિનિયલ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. ગીતાબેનના પતિ બળદેવભાઇ મીર્ઝાપુર ખાતે સ્ટેનો તરીકે ફરજા બજાવતા હતા જે વર્ષ 2016માં નિવૃત થયા છે. ગીતાબેનને એક દીકરી છે. જેના લગ્ન મેમનગર ખાતે થયા છે જ્યારે એક દીકરો સુધીર છે જે પત્નિ અને બાળકો સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.બે વર્ષ પહેલા માતાજીની જાતર કરવાની હોવાથી ગીતાબેન સહિતનો પરિવાર કંકોત્રી લખવા માટે લીસ્ટ બનાવતા હતા. દરમિયાનમાં ગીતાબેન અને સુધીર વચ્ચે બોલાચાલી થઇ હતી જેથી ગીતાબેન રીસાઇને તેના પિયર જવા માટે નીકળી ગયા હતા. સોસાયટીના સભ્યોએ ગીતાબેનને સમજાવીને ઘરે પરત લાવ્યા હતા ત્યારથી તેમના સુધીર સાથેના સંબંધ ખાટા થઇ ગયા હતા. સુધીર માતા ગીતાબેન સાથે અણગમો રાખતો હતો.
સુધીર સહિત ઘરના સભ્યોએ ગીતાબેનને એકલા પાડી દીધા હતા અને સારસંભાળ પણ રાખતો નહી. ગીતાબેનનું પેન્શન આવે તે પણ સુધીર બેંકમાં જઇને લઇ આવતો હતો અને તેમને દવાના રૂપિયા પણ આપતો નહી. થોડા સમય પહેલા ગીતાબેને રૂપિયા માંગતા સુધીર ગીન્નાયો હતો અને તેમની સાથે મારઝુડ કરી હતી. ગીતાબેનને જમીન પર પડી ગયા હતા જ્યારે સુધીરે તેમના મોઢા પર મુક્કા માર્યા હતા.સુધીરે એટલી હદે હેવાન થઇ ગયો તે માતા ગીતાબેનને રૂમમાં પુરી રાખતો હતો અને બન્ને ટાઇમ જવાનું અને ચા આપતો હતો. સુધીર ગીતાબેનને રુમમાં પુરી દઇને દરવાજે તાળુ મારી દેતો હતો. ચાર દિવસ પહેલા સુધીરને સુરાતન ચઢ્યુ તો તેણે ગીતાબેનને સતત લાકડીના દંડાથી મારમાર્યો હતો. સુધીરે સતત દંડાથી મારમારીને ગીતાબેનને સોર પાડી દીધા હતા અને બાદમાં મોઢા પર મુક્કા મારવાના શરૂ કરી દીધા હતા. આટલેથી નહી અટકતા ગીતાબેનના માથામાં સ્ટીલની બોટલ મારી દીધી હતી. ગીતાબેને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. સુધીરે ગીતાબેનને ધમકી આપી કે જો તુ મારા વિરૂદ્ધ સોસાયટીના સભ્યોને કઇ કહીશ તો તને જાનથી મારી નાખીશ અને કોથળીમાં પુરીને ક્યાક નાખી આવીશ. ઇજાગ્રસ્ત ગીતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ઘાટલોડીયા પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને ગીતાબેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.