40-60 ટકા નફાની લાલચ આપી પૈસા પડાવ્યા
અમદાવાદ
શેરબજારમાં રોકાણ કરાવીને 40થી 60 ટકા સુધીનો નફો આપવાની લાલચ આપીને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર બંટી-બબલી અને તેની માતા વિરુદ્ધ અમદાવાદ ઇકોનોમિક ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાઇ છે. એલ.આઇ.સી એજન્ટ તરીકે ફોર્મ ધરાવનાર મહિલાને શેરબજારમાં રોકાણ કરવાનું કહીને પહેલા 1 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હતું. જેમાં 77 લાખ પરત અપાવ્યા હતા, જેથી વિશ્વાસ આવી જતા વધુ રોકાણ કરાવ્યું હતું. જોકે, ત્યારબાદ છેલ્લા છ મહિનાથી તેઓએ મૂડીનું રોકાણ અને નફો આપવાનું બંધ કરી દેતા છેતરપિંડી થયા હોવાની ફરિયાદ તેઓએ ક્રાઇમ ઇકોનોમિક સેલમાં નોંધાવી છે.
શેરબજારમાં ઓળખાણ છે કહી રોકાણ કરાવ્યું ઠક્કરબાપા નગર વિસ્તારમાં ઋત્વિજ એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નિશા મિસ્ત્રી પોતે લાઈફ પ્લસ એન્ટરપ્રાઇઝ નામે ફોર્મ ધરાવે છે. અગાઉના તેમના ભાગીદાર સંજયભાઈ દ્વારા તેમના મિત્ર જીગર તુલી સાથે તેમની ઓળખાણ કરાવી હતી. તેઓની ટેન કોક મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે અને તેમની પત્ની સપના તૂલી પણ તેમાં ડાયરેક્ટર છે, તેઓ શેરબજારનું ખૂબ જ મોટું કામ કરે છે. તેઓની કંપની SEBIમાં રજીસ્ટર છે અને ટ્રેડબુલ્સમાં બ્રોકરશીપ ધરાવે છે. અલગ-અલગ કંપનીમાં તેઓ શેરબજારમાં રોકાણ કરાવે છે. શેરબજારમાં અને IPO માટે તેમની મોટી ઓળખાણ છે, તેઓ શેરબજારના ભાવ ઉપર-નીચે કરાવી શકે છે.
છેતરપિંડીની જાણ થતાં ઈકોનોમિક સેલમાં ફરિયાદ નોંધાવી વધુમા તેઓએ જણાવ્યું હતું કે, જે પણ IPO આવવાનું હોય તેની તેમને પહેલાથી જ ખબર પડી જાય છે. જો શેરબજારમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો મને જણાવજો તેમ કહી અને વિશ્વાસમાં લીધા હતા. વર્ષ 2023થી લઈને ફેબ્રુઆરી, 2024 સુધીમાં તેઓએ 1.88 કરોડ રૂપિયા રોકાણ કર્યું હતું. જેમાં 77 લાખ રૂપિયા પરત નફા પેટે આવ્યા હતા. તેઓના મૂડી અને નફા પેટે કુલ 2.25 કરોડ લેવાની નીકળે છે. જોકે, આ બાબતે તેઓને અવારનવાર જાણ કરવા છતાં પણ તેઓ દ્વારા પૈસા 15 દિવસમાં આવી જશે તેમ કીધું હતું. ત્યારબાદ ટ્રેડ બુલ્સમાં તપાસ કરતા કોઈ રોકાણ નથી થયું એવું જાણવા મળ્યું હતું અને છેતરપિંડી થયું હોવાની જાણ થતા તેઓએ ઇકોનોમિક સેલમાં ફરિયાદ નોંધાવી છે.
અહેવાલ રાહુલ દેસાઈ